શેઠ સગાળશા કોણ હતા? — કર્ણનો અવતાર અને ચેલૈયાની હૃદયદ્રાવક કથા

શેઠ સગાળશા કોણ હતા? — કર્ણનો અવતાર અને ચેલૈયાની હૃદયદ્રાવક કથા

દાનની વાત આવે, અને કર્ણનું નામ ન આવે – એવું ક્યારેય બને?
મહાન દાનવીર, વચનનિષ્ઠ, પરાક્રમી દાનવીર કર્ણનું સ્મરણ થતા જ દાનની ગાથા જીવંત થઈ જાય.

મહાભારતના યુગમાં તેમનું નામ દાન અને પરાક્રમનું પ્રતિક બની ગયું હતું. દાનવીર કર્ણ એ એવા મહાન યોદ્ધા હતા કે સૂર્યોદય સાથે જ દાન આપવાનું તેમનું જીવનનું નિયમ હતું. કોઈ યાચક તેમના દ્વારેથી નિરાશ પાછો ફરતો નહોતો. સોનું, રત્ન, સંપત્તિ જે માંગે તે આપતા.

પરંતુ લોકમાન્યતા મુજબ, તેમની દાનયાત્રા અહીં પૂર્ણ થઈ નહોતી.

શેઠ સગાળશા કોણ હતા?

એક દંતકથા મુજબ, કર્ણ મૃત્યુ પછી સ્વર્ગલોકમાં ગયા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દેવતાઓએ તેમને સન્માનપૂર્વક સ્થાન આપ્યું. પરંતુ જ્યારે ભોજનનો સમય આવ્યો, ત્યારે તેમની થાળીમાં અન્ન નહીં, પરંતુ સુવર્ણના ટુકડા પીરસાયા. અન્ય સૌને અન્ન મળ્યું — અને કર્ણ હેરાન રહી ગયા.

તેમણે દેવરાજ ઇન્દ્ર ને પૂછ્યું — “મને અન્ન કેમ નથી મળતું?”
ઇન્દ્રએ ઉત્તર આપ્યો — “તમે પૃથ્વી પર હંમેશા બ્રાહ્મણોને સુવર્ણદાન જ કર્યું. અન્નદાન તમે કર્યું નહોતું. તેથી સ્વર્ગમાં પણ તમને સુવર્ણ જ મળે છે. જો અન્નદાન કર્યું હોત, તો અહીં અન્ન પ્રાપ્ત થાત.”

આ શબ્દોએ કર્ણના અંતરમાં ચોટ કરી. તેમને સમજાયું કે દાનની પૂર્ણતા અન્નદાન વિના શક્ય નથી. સુવર્ણ મૂલ્યવાન છે, પરંતુ ભૂખ્યા માટે અન્ન જ અમૂલ્ય છે.

કર્ણે દેવરાજ પાસે પ્રાર્થના કરી — “મને ફરી પૃથ્વી પર જન્મ આપો, જેથી હું અન્નદાન કરી શકું.”

લોકવિશ્વાસ અનુસાર, કાળક્રમે તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ અને કળિયુગમાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બિલખા ગામ માં વાણીયા કુળમાં તેઓ “શેઠ સગાળશા” તરીકે જન્મ્યા. કહેવાય છે કે તેઓ કર્ણના જ અવતાર હતા.

લોકપ્રચલિત બીજી ગાથા મુજબ, જ્યારે શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધમાં અંતિમ શ્વાસ લઈ રહેલા કર્ણ પાસે પહોંચ્યા, ત્યારે તેમણે તેની અંતિમ ઇચ્છા પૂછીઃ

ત્યારે કર્ણે વિનમ્રતાથી કહ્યું —
“મારો અંતિમ સંસ્કાર કુંવારી ભૂમિ પર થાય અને મને એક વરદાન મળે. મેં આજીવન સુવર્ણદાન કર્યું છે, પરંતુ અન્નદાન કરી શક્યો નથી. મને અન્નદાન કરવાનો અવસર મળે.”

શ્રીકૃષ્ણે કર્ણની આ ભાવનાને સ્વીકારી અને વરદાન આપ્યું —
“ગુર્જર ભૂમિમાં ગિરનારની ગોદમાં, બિલખા ગામે તમે શેઠ સગાળશા તરીકે અવતાર ધારણ કરી તમારી અન્નદાનની ઇચ્છા પૂર્ણ કરશો.”

આ રીતે કર્ણે શેઠ સગાળશા રૂપે અવતાર ધારણ કર્યો.

ભગવાનની કસોટી અને ચેલૈયાનો અદ્વિતીય ત્યાગ

આજથી અંદાજે બારસો વર્ષ પહેલાં, ગુજરાતની પવિત્ર ધરા પર આવેલા બિલખા ગામે એક એવી દિવ્ય ગાથાનો આરંભ થયો, જે આજે પણ ભક્તોના હૃદયમાં જીવંત છે.

તે સમયના નગરશેઠ હતા — શેઠ સગાળશા. સાથે હતી તેમની ધર્મપત્ની ચંગાવતી, અને એક લાડકવાયો પુત્ર — ચેલૈયો. આ કોઈ સામાન્ય કુટુંબ નહોતું. આ તો આતિથ્યભાવ, દાન અને ભક્તિનું જીવંત મંદિર હતું.

કહેવાય છે કે “અતિથિ દેવો ભવ” — પરંતુ આ વાક્યને જીવનમાં ઉતારવું સહેલું નથી.
પરંતુ શેઠ સગાળશા અને ચંગાવતીએ આ વાક્યને માત્ર કહ્યું નહીં… જીવ્યું.

તેમના દ્વારે આવતો દરેક અતિથિ ભગવાન સમાન હતો.
સાધુ હોય, સંત હોય કે કોઈ અજાણ્યો યાચક — સૌને પ્રેમથી જમાડ્યા વગર તેઓ અન્ન ગ્રહણ કરતા નહોતા.

આવી અડગ ભક્તિ અને આતિથ્યભાવને જોઈને સ્વયં ભગવાન વિષ્ણુએ તેમની પરીક્ષા લેવા વિચાર્યું…

શેઠ સગાળશા અને તેમની ધર્મપત્ની ચંગાવતી સદાવ્રત ચલાવતા હતા. તેમના દ્વારે આવતો કોઈપણ માણસ — ગરીબ હોય કે ધનિક, સાધુ હોય કે યાચક — સૌને પ્રેમથી જમાડવામાં આવતા.

તેમના અન્નના ભંડાર હંમેશા ખુલ્લા રહેતા. દુકાળના કપરા સમયમાં પણ કોઈ ભૂખ્યું પાછું ફરતું નહોતું. દૂર દૂર સુધી તેમની આતિથ્યભાવની ખ્યાતિ ફેલાઈ ગઈ હતી.

બધી રીતે સુખી હોવા છતાં, તેમના જીવનમાં એક ખોટ હતી — સંતાનસુખની.
એક સાધુના કહેવાથી તેમણે વ્રત લીધું – “ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન નહીં કરીએ.”

આ વ્રત અને ભક્તિના ફળરૂપે તેમને એક પુત્રરત્ન મળ્યો — ચેલૈયો. નાનપણથી જ ચેલૈયો સંસ્કારી, દયાળુ અને ધાર્મિક હતો. શાળાએ જતો, પણ માતા-પિતાના સંસ્કારો એની અંદર ઊંડે વસેલા હતા.

અચાનક આવી કસોટી…

એક વખત ચોમાસામાં એવો ભારે વરસાદ શરૂ થયો કે દિવસો સુધી બંધ જ ન થયો. નવ-નવ દિવસ વીતી ગયા, પરંતુ કોઈ અતિથિ આવ્યો નહીં. શેઠ-શેઠાણી અને ચેલૈયો — ત્રણેયે ઉપવાસ ચાલુ રાખ્યો. વ્રત તૂટે નહીં, એટલે ભોજન પણ લીધું નહીં.

દસમા દિવસે વરસાદ થંભ્યો. ચેલૈયાને શાળાએ મોકલી, શેઠ અને ચંગાવતી ગામમાં અતિથિ શોધવા નીકળ્યા.

ગામના પાદર પાસેની એક સુનસાન અને અવાવરૂ જગ્યાએ તેમને એક અઘોરી સાધુ દેખાયા.
તેનું રૂપ અત્યંત ભયંકર હતું — મેલોઘેલો દેહ, શરીરભર રક્તપિત્તના ઘા, જેમાંથી પરુ વહેતું હતું. તેની નજીક જતાં જ અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી.

આવું વિકરાળ સ્વરૂપ જોઈને સામાન્ય માણસ દૂર ભાગી જાય. પણ શેઠ સગાળશા અને ચંગાવતીના હૃદયમાં તો માત્ર ભક્તિ હતી.

બન્ને તેમના નજીક ગયા, નમ્રતાથી નમન કર્યું અને વિનંતી કરી – “મહારાજ, કૃપા કરીને અમારા ઘરે પધારો અને ભોજન સ્વીકારો.”

બન્ને તેમના નજીક ગયા, નમ્રતાથી નમન કર્યું અને વિનંતી કરી – “મહારાજ, કૃપા કરીને અમારા ઘરે પધારો અને ભોજન સ્વીકારો.”

અઘોરીની અજીબ માંગ

વણિક દંપતિએ ખૂબ આગ્રહ કરીને અંતે અઘોરીને પોતાના ઘરે પધરાવ્યા.
પ્રેમ અને ભક્તિથી તેમને હૂંફાળા પાણીથી સ્નાન કરાવ્યું, શરીરના ઘાવોને સાફ કર્યા, પરુને ધોઈને સ્વચ્છ કર્યા અને સારા વસ્ત્રો પહેરાવ્યા. પછી સન્માનપૂર્વક સુંદર આસન પર બેસાડીને અનેક વાનગીઓથી ભરેલો થાળ પીરસ્યો.

પણ અચાનક અઘોરી ગુસ્સે થઈ ઉઠ્યા…
એક જ ઝાટકે તેમણે થાળને ઠોકર મારી દીધી અને કઠોર સ્વરે બોલ્યા – “અમે અઘોર પંથના સાધુ છીએ. અમને આ ભોજન નહીં, અમને તો રાંધેલું માંસ જોઈએ!”

આ વાત સાંભળીને વણિક દંપતિ સ્તબ્ધ થઈ ગયા. તેમના ઘરમાં તો ક્યારેય માંસ બન્યું નહોતું.
પણ બીજી તરફ, અતિથિ ભૂખ્યો ન જાય – એ તેમનો અખંડ નિયમ હતો.

એક તરફ સંસ્કાર. બીજી તરફ વ્રત.
આવી દ્વિધામાં પણ શેઠ સગાળશાએ નિર્ણય લીધો.

તેઓ તાબડતોબ બહાર જઈ માંસનો પ્રબંધ કરીને આવ્યા.
ચંગાવતીએ તો બત્રીસ પ્રકારના પકવાનો બનાવતા આવડતું હતું, પરંતુ માંસ રાંધવાનો કોઈ અનુભવ નહોતો…
તેમ છતાં, કાળજું કઠણ કરીને તેમણે રસોઈ તૈયાર કરી.

ફરી એકવાર થાળ અઘોરી સમક્ષ પીરસાયો…
અને પતિ-પત્ની બંને વિનમ્રતાથી હાથ જોડીને તેમની સામે ઊભા રહી વિનંતી કરવા લાગ્યા —
“મહારાજ, હવે કૃપા કરીને ભોજન સ્વીકારો…”

અઘોરીએ થાળીમાં નજર કરી… અને તરત જ તેના ચહેરા પર ક્રોધ છવાઈ ગયો.
એક જ ઝાટકે તેણે ફરીથી થાળીને ઠોકર મારી દીધી.

હવે દંપતિ મૂંઝાઈ ગયા…
“હવે શું?” એમના હૃદયમાં પ્રશ્નો ઊભા થયા.

અઘોરીનો સ્વર વધુ કઠોર બન્યો –
“શેઠ! અમે અઘોરપંથી છીએ. અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને તો માનવ-માંસ સિવાય કંઈ સ્વીકાર્ય નથી!”

આ શબ્દો સાંભળતાં જ વણિક દંપતિ પર જાણે આકાશ તૂટી પડ્યું.
માનવ-માંસ ક્યાંથી લાવવું? કોનો ભોગ આપવો?

ત્યારે અઘોરી કઠોર સ્વરે બોલ્યા – “મેં ક્યાં તમને કહ્યું હતું કે મને જમવા લઈ જાઓ?
આ તો તમે પોતે જ આઠ દિવસના ઉપવાસથી પીડાઈને મને અહીં લાવ્યા છો!”

આ શબ્દો સાંભળીને શેઠ સગાળશાએ પત્ની ચંગાવતી તરફ જોઈને કહ્યું – “સતી, હું ભગવાનની આરાધના કરીને મારા દેહનું બલિદાન આપું. તમે મારા શરીરથી રસોઈ બનાવી આ મહારાજને જમાડજો.”

આ સાંભળતાં જ ચંગાવતી તુરંત બોલી ઉઠી – “ના સ્વામીનાથ! તમારા વગર હું અને ચેલૈયો કેવી રીતે જીવી શકીશું? મારા કરતાં મને જ બલિદાન આપવા દો… તમે મારું મસ્તક વધેરી નાખો.”

શેઠ સગાળશા બોલ્યા – “ના દેવી, એ તો સ્ત્રીહત્યાનું પાપ ગણાય”

ચંગાવતી ફરી દૃઢતાથી બોલી – “પાપ કે પુણ્ય પછી વિચારીએ. પણ આંગણે આવેલા સાધુને ભૂખ્યા કેવી રીતે જવા દઈએ?”

બન્નેના આ ત્યાગભર્યા શબ્દો સાંભળીને અઘોરી બોલ્યા – “અરે, તમે ‘મારું-મારું’ કરતા મને કેટલા સમય સુધી ભૂખ્યો રાખશો? સાંભળો… સ્ત્રી તો મા કહેવાય, તેથી હું તેનું માંસ નહીં ગ્રહણ કરું. અને જો તું મરી જશે, તો આ સદાવ્રત પણ બંધ થઈ જશે — એ પાપ મને લાગશે.”

શેઠ સગાળશાએ નમ્રતાથી પૂછ્યું – “મહારાજ, તો તમે જ અમને માર્ગ બતાવો.”

અઘોરીએ પૂછ્યું – “તમને કોઈ સંતાન છે?”

શેઠ સગાળશાએ જવાબ આપ્યો – “હા મહારાજ, આઠ વર્ષનો એક દીકરો છે — ચેલૈયો. હાલમાં તે નિશાળે ભણવા ગયો છે.”

આ સાંભળતાં જ અઘોરીએ નિર્દયી શબ્દો બોલ્યા – “તો પછી એનું જ માંસ મને ચાલશે.અમને અઘોરીઓને કુમળા બાળકનું માંસ બહુ ભાવે! જો જમાડવું હોય તો જમાડો. નહિતર સ્પષ્ટ કહી દો કે તમારાથી અતિથિધર્મ નહીં પાલવાય.”

હૈયા પર પથ્થર મૂકી, તેમણે પોતાના લાડકવાયા પુત્ર ચેલૈયાનું બલિદાન આપવાનું નક્કી કર્યું.
ચંગાવતીએ દૃઢ સ્વરે કહ્યું – “ના મહારાજ, તમને ભાવતું ભોજન જરૂર મળશે…”

ચેલૈયાને શાળામાંથી બોલાવવા સંદેશ મોકલાયો.
અચાનક ઘરેથી તેડું આવતા ચેલૈયો ઉતાવળે ઘરે જવા નીકળ્યો.

આ સાંભળીને ભગવાને તેમની ભક્તિની વધુ એક કસોટી લેવા લીલા કરી. તેઓ એક બીજા સાધુનું રૂપ ધારણ કરીને સીધા ચેલૈયાની નિશાળે પહોંચ્યા.

ત્યાં જઈને ચેલૈયાને કહ્યું “બેટા, તું જલ્દી અહીંથી ભાગી જા! તારા ઘરે એક સાધુ આવ્યા છે, અને તારા માતા-પિતા તારા શરીરમાંથી રસોઈ બનાવીને તેમને જમાડવાના છે. જો તું ભાગી જશે તો તું બચી જશે…”

આ વાત સાંભળીને ચેલૈયો એક ક્ષણ માટે પણ ડગ્યો નહીં. તે શાંતિથી બોલ્યો – “મહારાજ, તમે આ શું કહો છો? મારા માતા-પિતા જો મને અતિથિ માટે અર્પણ કરે, તો એ તો મારું અહોભાગ્ય છે!”

સાધુરૂપે આવેલા ભગવાને તેને સમજાવવાનો ફરી પ્રયાસ કર્યો – “બેટા, તારી મા તો ભાન ભૂલી ગઈ છે.
તું અહીંથી ભાગી જા, તારો જીવ બચાવી લે.”

પણ ચેલૈયાની શ્રદ્ધા અડગ હતી. તે ગર્વથી બોલ્યો – “હે મહારાજ, જો હું ભાગી જાઉં તો આ ધરતી મને શરમાવે.આ ભૂમિ મારો ભાર સહન ન કરે. મેરુ પર્વત પણ ડગમગી ઉઠે. પણ ચેલૈયો પોતાની સચ્ચાઈ અને ધર્મ ક્યારેય નહીં છોડે!”

સંસ્કારી ચેલૈયાનો જવાબ અડગ હતો – “ભાગું તો મારી ભોમકા લાજે…!” આટલું કહી, ખંભે દફ્તર લટકાવીને ચેલૈયો નિર્ભયતાથી પોતાના ઘરે તરફ નીકળી પડ્યો

ચેલૈયાની અડગ શ્રદ્ધા અને સંસ્કારને વ્યક્ત કરતું આ લોકપ્રિય ગીત આજે પણ ભક્તોના હૃદયમાં ગુંજે છે – “ભાગું તો મારી ભોમકા લાજે…”

ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ ઝીલે ન ભાર… (૨)
મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે… (૨)

મોરધ્વજ રાજાએ અંગ વહેરાવ્યા, કીધા કર્ણે દાન… (૨)
શિબિરાજાએ જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે… (૨)

શિર મળે પણ સમય મળે નહિ, સાધુ છે મે’માન,
અવસર આવ્યે પાછા ન પડીએ, કાયા થાય કુરબાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે… (૨)

શેઠ સગાળશા, ચંગાવતી અને ચેલૈયાની ભક્તિ અને બલિદાન દર્શાવતું દૃશ્ય, પરંપરાગત ભારતીય ઘરનું આંતરિક વાતાવરણ, દીવાના પ્રકાશમાં આધ્યાત્મિક ભાવના સાથે.

ત્યાગની પરાકાષ્ઠા – ચેલૈયાનું હાલરડું

ઘરે પહોંચતા જ માતા-પિતાનું હૃદય તૂટી પડ્યું…
ચંગાવતીએ ચેલૈયાને વ્હાલથી ગળે લગાવ્યો, વારંવાર તેની કપાળ પર ચૂમીઓ ભરી.
એ ક્ષણ એવી હતી કે શબ્દો નિષ્ફળ બની જાય…
દીકરા પર તલવાર ચલાવવાનો વિચાર પણ હૃદય ચીરી નાખે એવો હતો.

પણ ચેલૈયો તો ધીરજનો ધન હતો. તે શાંતિથી બોલ્યો – “બાપુ, વિલંબ ન કરો… મને બધું જ ખબર પડી ગઈ છે. અતિથિદેવતા ભૂખ્યા છે, તેમને વધુ રાહ નથી જોવડાવવી.”

આ શબ્દો સાંભળીને માતા-પિતાનું હૃદય કંપી ઉઠ્યું. પરંતુ ભક્તિ અને વ્રત સામે લાગણીને વશ થવું શક્ય નહોતું.

એમણે મનમાં નક્કી કર્યું – “આવો પુત્ર ગુમાવ્યા પછી આ જીવન જીવી શકાય તેમ નથી…”
અતિથિ જતાં રહ્યા પછી, ચેલૈયાનું મસ્તક ખોળામાં લઈને પોતાનું જીવન પણ સમાપ્ત કરી દઈશું.

ભયંકર પીડાને હૃદયમાં દબાવીને, દંપતિએ પોતાના પુત્રના દેહનું ભોજન તૈયાર કર્યું. અને અઘોરી સમક્ષ થાળ પીરસી.

હાથ જોડીને વિનંતી કરી – “મહારાજ, હવે તો પ્રસન્ન થાઓ… કૃપા કરીને ભોજન સ્વીકારો.”

પરંતુ અઘોરીએ ફરીથી થાળીમાં નજર કરી…
અને ચહેરા પર એ જ અસંતોષ છવાઈ ગયો.

તે કઠોર સ્વરે બોલ્યા –
“આ શું? જો મને જમાડવું નથી તો મને અહીંથી જવા દો!
મને શરીરના અંગોનું માંસ નથી જોઈએ… મને તો મસ્તકનું ભોજન જોઈએ!”

પછી તો અઘોરીએ કસોટીને વધુ આકરી બનાવી…

તે કઠોર સ્વરે બોલ્યા – “જો મને જમાડવું હોય, તો ચેલૈયાનું મસ્તક ખાંડણિયામાં મૂકી ખાંડો.
તમે લગ્ન સમયે જેમ શણગાર કર્યા હતા, એ જ રીતે શણગાર કરો.
અને ધ્યાન રાખજો — માથું ખાંડતા તમારી આંખમાંથી એક પણ આંસુ ન વરસે!
જો તમને તમારા પુત્રના વિયોગનો જરા પણ રંજ હશે, તો હું ભોજન નહીં કરું…!!”

આવી આકરી શરતો સાંભળીને પણ શેઠ સગાળશા અને ચંગાવતી ડગ્યા નહીં.

તેમણે ભક્તિ અને વ્રતને સર્વોપરી માન્યું. લગ્ન સમયે જેમ શણગાર સજ્યા હતા, એ જ રીતે બંનેએ શણગાર ધારણ કર્યો. અને ભારે હૃદય સાથે ચેલૈયાનું મસ્તક ખાંડણિયામાં મૂક્યું.

હાથ કંપતા હતા…હૃદય રડી રહ્યું હતું…પણ આંખોમાંથી એક ટીપું પણ બહાર ન આવ્યું.

એ ક્ષણે, પોતાના લાડકવાયા દીકરાની યાદમાં, પતિ-પત્ની હાલરડું ગાવા લાગ્યા. જે આજે પણ લોકસાહિત્યમાં “ચેલૈયાનું હાલરડું” તરીકે જીવંત છે.

જોને ધ્રુવ ડગે, અને મેરુ ડગે,
ડગે અરણવનાંય ઉર,
પણ નર-નારી જોને નહીં ડગે,
ભલે પશ્ચિમ ઉગે સૂર.

કે તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…

પણ અમે જાણ્યું, ચેલૈયાને પરણાવશું
અને એની ઝાઝેરી જોડશું જાન
પણ ઓચિંતાના, ઓચિંતાના મરણ આવિયા
હે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…

પણ બાપનું ઢાંકણ બેટડો
અને નરનું ઢાંકણ નાર
પણ ભગતનું ઢાંકણ ભૂધરો
એ તો ઉતારે ભવ પાર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…
તારા મે’તાજી જોવે તારી વાટ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…

પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે
પણ તું કાં નમ ઘરના મોભ
જેના ઘરમાંથી કંધોતર ઉઠિયા
હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…

પણ હાથે પોંચી હેમની
અને ગળે એકાવન હાર
પણ જેને આંગણ નહિં દીકરો
એનાં મંદિરિયા સૂનકાર
તારા નિશાળિયા જુવે તારી વાટ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…

આ મેલામાં, મેલામાં મેલો નુગરો
પણ એથી મેલો લોભ
પણ ઈથી, ઈથી મેલા અમે દંપતિ
એ અમે મૂવે ય ન પામે મોક્ષ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…

કે મારી ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર… ખમ્મા ખમ્મા તને…

પછી તો ચેલૈયાના મસ્તકથી બનેલું ભોજન થાળીમાં પીરસાયું. આખરે અઘોરી ભોજન કરવા તૈયાર થયા. શેઠ સગાળશા અને ચંગાવતીના હૃદયમાં થોડું શાંત થયું – “હવે અતિથિ પ્રસન્ન થશે…”

પરંતુ, જેમ જ અઘોરી પહેલો કોળિયો મોંમાં મૂકવા જાય છે, એમણે એક સવાલ કર્યો – “તમારા ઘરમાં બીજું કોઈ સંતાન છે?”

દંપતિ ભારે હૃદયે જવાબ આપે છે – “મહારાજ… ચેલૈયો અમારો એક જ હતો.”

આ સાંભળતાં જ અઘોરીએ કોળિયો પાછો થાળીમાં મૂકી દીધો અને કહ્યું – “બાળક વિનાનું સૂનું આંગણું હોય તેવા ઘરમાં હું ભોજન કરતો નથી…!!”

આ સાંભળીને તો જાણે કસોટીની હદ થઈ ગઈ.
એકમાત્ર પુત્રનો બલિદાન આપ્યા પછી પણ અતિથિ ભૂખ્યા જ!

પણ સગાળશા અને ચંગાવતી પાછા પડનારા નહોતા. ચંગાવતીએ દૃઢ અવાજમાં કહ્યું – “મહારાજ, તમને ભોજન લીધા વિના જવા નહીં દઈએ. થોડી વાર રોકાઓ.”

પછી તેણે શેઠને કહ્યું – “મને કટાર આપો… મારા ગર્ભમાં સાત માસનું બાળક છે. તેમાં જીવ છે.
મારા પછી જે કરવું હોય તે કરજો… પણ અતિથિ ભૂખ્યા ન જવા જોઈએ!”

એવું કહી ચંગાવતી કટાર લઈને પોતાના પેટમાં ઘા કરવા તૈયાર થઈ.

અને એ જ ક્ષણે…
દિવ્ય ચમત્કાર થયો!

જેમ જ કટાર પેટમાં ઘૂસાડવા જાય છે, કોઈએ તેમનો હાથ પકડી લીધો…
પ્રકાશ ફેલાયો… દિવ્ય કંપન સાથે અઘોરીનું સ્વરૂપ બદલાયું.

અને ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા…!!

ભગવાને કહ્યું – “ધન્ય છો ભક્તો… તમે ભક્તિની પરાકાષ્ઠા પાર કરી છે.”

તેમણે તરત જ ચેલૈયાને જીવિત સ્વરૂપે પાછો આપ્યો. દંપતિ આનંદ અને ભક્તિથી નમન કરવા લાગ્યા.

છેવટે શેઠ સગાળશાએ હાથ જોડીને પ્રાર્થના કરી – “હે પ્રભુ… અમને બીજું કશું નથી જોઈએ.
માત્ર એટલું વરદાન આપો કે આ કળિયુગમાં કોઈની પણ આવી કઠિન પરીક્ષા ન લો.”

ચેલૈયાની જગ્યા – બિલખા

એક દંતકથા અનુસાર, બિલખા ગામ પ્રાચીન સમયમાં રાજા બલિનું નિવાસસ્થાન — બલિસ્થાન તરીકે ઓળખાતું હતું.

આ પવિત્ર ધરા આજે પણ ભક્તિ અને ત્યાગની ગાથાઓથી પવિત્ર માનવામાં આવે છે.
અહીં આવેલું “ચેલૈયાની જગ્યા” એ સ્થળ છે, જ્યાં આ અદ્વિતીય ભક્તિ અને બલિદાનની કથા સાથે જોડાયેલ સ્મરણો આજે પણ જીવંત છે. ભક્તો અહીં આવીને શ્રદ્ધાપૂર્વક નમન કરે છે.

બિલખા ગામમાં અન્ય પણ અનેક દર્શનીય અને ધાર્મિક સ્થળો આવેલાં છે:
ચેલૈયાની જગ્યા (ચેલૈયા ધામ) – ભક્તિ અને ત્યાગનું પ્રતિક સ્થળ
આનંદ આશ્રમ – શાંતિ અને આધ્યાત્મિકતા માટે પ્રસિદ્ધ
રામનાથ મહાદેવ મંદિર – ભગવાન શિવનું પવિત્ર ધામ
રાવતસાગર ડેમ – પ્રકૃતિની સુંદરતા અને શાંતિનો અહેસાસ કરાવતું સ્થળ

શેઠ સગાળશા પર આધારિત ગુજરાતી ફિલ્મ

‘શેઠ સગાળશા’ માત્ર એક ભક્તિગાથા જ નહીં, પરંતુ ગુજરાતી સિનેમામાં પણ આ પવિત્ર કથા જીવંત બની છે.
‘શેઠ સગાળશા’ નામની એક લોકપ્રિય ગુજરાતી ભક્તિમય ફિલ્મ બનાવવામાં આવી છે, જે શેઠ સગાળશા, તેમની ધર્મપત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયાના અડગ ધર્મ, ત્યાગ અને ભક્તિને સુંદર રીતે રજૂ કરે છે.

આ ફિલ્મ ભક્તિ, આતિથ્યભાવ અને ત્યાગની એ અદ્વિતીય ગાથાને પડદા પર ઉતારે છે, જેને લોકો આજે પણ શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે.

આ ફિલ્મમાં સ્નેહલતા, શ્રીકાંત સોની અને રમેશ મહેતા જેવા પ્રતિભાશાળી કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ નિભાવી છે, જેમણે પોતાની અભિનય કળા દ્વારા આ ભક્તિમય ગાથાને જીવંત બનાવી છે. ફિલ્મનું નિર્દેશન ગિરીશ મણુકંત દ્વારા કરવામાં આવ્યું છે.

આ કથા ભક્ત શેઠ સગાળશા અને તેમના પુત્ર ચેલૈયાના અડગ ધર્મ, ત્યાગ અને અતુલ્ય ભક્તિ પર આધારિત છે. સમયની દૃષ્ટિએ આ એક જૂની સુપરહિટ ગુજરાતી ભક્તિમય ડ્રામા ફિલ્મ છે, જે અંદાજે 1975 અથવા તે પહેલાં નિર્મિત થઈ હોવાનું માનવામાં આવે છે.